રૅશનલ ચમત્કાર
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
દેશ–વીદેશના આદરણીય હમસફર મીત્રો,
આજે અમે આ વૅબસાઈટ શરુ કરી રહ્યા છીએ. એનો મંગલ ઉદ્દેશ, અમે અહીં ગુજરાતમાં જે વાંચીએ–વીચારીએ, તેના આપ સૌને હમસફર અને હમદર્દ બનાવવાનો છે. આ તો ગુજરાતની એક નવી જ દીશા અને નવી જ શુભ દશા, અર્થાત્ પ્રગતીશીલ તથા વૈજ્ઞાનીક વીચારો તેમ જ જીવનાભીગમની ધીમી છતાં મક્કમ આગેકુચ.
રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ. માટે જ મુંબઈના મીત્રોએ પોતાના મુખપત્રનું નામકરણ કર્યું છે, ‘વીવેકપંથી’. એની સત્ત્વશીલ સામગ્રી દ્વારા મુંબઈ–ગુજરાત પ્રદેશમાં રૅશનાલીઝમનો જે પ્રચાર–પ્રસાર થઈ રહ્યો છે એમાં પાયાના પુરુષ છે, શ્રી. ગુલાબ ભેડા** –‘વીવેકપંથી’ના તંત્રી અને દૃષ્ટીવંત સંપાદક. આર્થીક તંગી અતી તીવ્ર હોવા છતાંય દરમાસે આ સામયીક આજે તો નીયમીત પ્રગટે, અચુક વહેંચાય–વંચાય–ચર્ચાય. વળી, એની નેત્રદીપક સામગ્રીને કારણે તે અતી લોકપ્રીય પણ બન્યું છે.
હવે આપ સૌને, મતલબ કે વીશ્વભરના લાખો ગુજરાતી વાચકોને પણ નેટ પર તે નીયમીત જાણવા–વાંચવા મળશે. આ છે વીજ્ઞાનનો ચમત્કાર ! ચીલાચાલુ ચમત્કારના વીરોધી એવા રૅશનાલીસ્ટો વીજ્ઞાનના આવા ચમત્કારને તો વધાવે છે. વધુમાં, નોંધપાત્ર તથા આવકાર્ય ઘટના તે એ કે, ‘વીવેકપંથી’ શરુઆતથી ‘ઉંઝાજોડણી’માં જ છપાય છે. મીત્રો, ‘ઉંઝાજોડણી’ને ‘રૅશનલજોડણી’ તરીકે માન્ય કરવામાં આવી છે, એ કદાચ આપ જાણતા જ હશો.
બીજું એવું જ એક સામયીક છે, ‘વૈશ્વીક માનવવાદ’ અને તેના તંત્રી છે મહેમદાવાદ સ્થીત શ્રી. બીપીન શ્રોફ. તેઓ પણ પ્રતીમાસ આવા પ્રગતીશીલ તથા તંદુરસ્ત વીચારો, એટલે કે રૅશનલ વીચારો જનતા સમક્ષ નીયમીત મુકે જ છે. આ માસીક પણ પ્રગટે છે ‘ઉંઝાજોડણી’માં. મીત્રો, આવાં ‘ઉંઝાજોડણી’માં પ્રગટતાં અને રૅશનલ વીચારધારા પ્રસરાવતાં અન્ય સામયીકો પણ આ વેબસાઈટ પર મુકવાની અમારી નેમ છે.
એ ઉપરાંત, જુદાં જુદાં સામયીકોમાં પ્રગટતાં લેખો–કાવ્યો આદી સામગ્રીમાંથી પણ રૅશનલ વીચારધારા પ્રસારક સામગ્રી આપને જાણવા–માણવા આ વેબસાઈટ પર અમે મુકીશું.
આવી સમગ્ર યોજનાનો અર્થાત્ રૅશનલ વીચારોને વેબસાઈટનું સ્વરુપ આપવાનો ઉત્તમ વીચાર, ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકો પૈકીના સુરતના શ્રી. ઉત્તમ ગજ્જરને આવ્યો, જેઓ સુરતના નીવૃત્ત ભાષાશીક્ષક છે અને ‘ઉંઝાજોડણી’ના મીશનરી ધગશવાળા સમર્થક અને પ્રચારક છે. આ વીચાર તથા યોજનાને ટૅકનીકલ સ્વરુપ આપવાના ‘ધર્મકાર્ય’માં, મુળ સુરતના અને હાલ ચેન્નાઈસ્થીત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત એવા નવયુવાન મીત્ર ભાઈ શ્રી. હીમાંશુ મીસ્ત્રીનો બહુમુલ્ય સાથ–સહકાર સાંપડ્યો છે.
વેબસાઈટની સામગ્રીના સંપાદનની જવાબદારી, મુળ સુરત જીલ્લાના બારડોલીની પાસેના આફવા ગામના અને હાલ અમેરીકા નીવાસી એવા યુવાન ભાઈ શ્રી. દીપક પટેલ તથા સુરતના આવાં સેવાકાર્યમાં રત એવા બે શીક્ષકો ઉત્તમ ગજ્જર અને ભાઈ સુનીલ શાહ સંભાળવાના છે. સુનીલભાઈ વીજ્ઞાન શીક્ષક છે, યુવાન છે અને વળી ઉભરતા કવી છે.
આમ, નર્મદનગરી સુરતથી જ રૅશનાલીઝમની માનવીય વીચારધારાને ઈલેક્ટ્રોનીક પાંખે ઉડતું કરવાનો ઉત્તમ યજ્ઞ આરંભાય છે, એ આનંદની ઘટના છે. ગુજરાતમાં, ભારતવર્ષમાં અને દુરસુદુર દેશાવરમાં વસતાં લાખો ગુજરાતી પરીવારોમાં હવે ગુજરાતના રૅશનાલીસ્ટ આંદોલનની જાણકારી જન્મશે અને રૅશનલ વીચારો પહોંચશે; જેને આપ સૌ વીચારો, ચર્ચો અને એક માનવવાદી પુરુષાર્થ તરીકે યથાશક્તીમતી અનુસરો, બસ એ જ અમારો આનંદ.
હવે મીત્રો, રૅશનાલીઝમ એટલે શું ? એય અમે આપને સંક્ષેપમાં જણાવીએઃ રૅશનાલીઝમને ગુજરાતીમાં ‘વીવેકબુદ્ધીવાદ’ કહેવાય છે; કારણ કે રૅશનાલીસ્ટ જીવનાભીગમનો પાયો જ છે વીવેક. ‘વીવેક’ એટલે એના મુળ સંસ્કૃત ભાષાકીય અર્થમાં સાર–અસારને, સત્ય–અસત્યને, શુભ–અશુભને, હીતકર–અહીતકરને યથાર્થ પારખવાની બુદ્ધીશક્તી. જેમ કે ‘નીરક્ષીર વીવેક’ એટલે દુધ અને પાણીને અલગ અલગ ઓળખી છુટાં પાડવાની વીવેકબુદ્ધી. આ કાર્યનાં ત્રણ પગથીયાં છેઃ તર્કવીવેક, નક્કર અનુભવ અને વૈજ્ઞાનીક પ્રયોગ. આ ત્રણેય પ્રક્રીયામાં અચુક તથા એક પણ અપવાદ વીના જ એકધારું ટકીને પાર પડે તે સત્ય–વૈજ્ઞાનીક સત્ય.
આવો, વૈજ્ઞાનીક અભીગમ પ્રાપ્ત થતાં જ એવી વ્યક્તીને વહેમો, અંધશ્રદ્ધાઓ, મીથ્યા માન્યતાઓ, અર્થહીન કર્મકાંડો, ગુરુગ્રંથોની વણસમજી, એકપક્ષી, નીરર્થક અને ઘણી વાર તો ગંભીર હાનીકર્તા એવી નાગચુડમાંથી બસ મુક્તી જ મુક્તી ! પછી તો જે વૈજ્ઞાનીક સત્ય છે, એના જ આધાર પર, એને જ માન્ય એવાં નીતી, આચારસંહીતા તથા ‘ધર્મ’ને અનુસરતાં, બસ મુક્ત અને નીર્ભય, સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવવાનું. બોલો, કેટલી શાંતી !
દોસ્તો, રૅશનાલીઝમની વ્યાખ્યા જ એવી છે કે, એમાં તર્કવીવેક (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતી–આચાર મુજબનું જીવન, અર્થાત વૈજ્ઞાનીક જીવનાભીગમ. આમ, રૅશનાલીઝમ એ કોઈ વીચાર કે વાદ માત્ર નથી; જીવન પદ્ધતી છે, જીવનકલા છે.
રૅશનાલીઝમ એ સત્ય પામવાની વીચાર–તર્કયુક્ત પદ્ધતી તો છે જ, ઉપરાંત એ તો સત્ય જીવવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે અને શાસ્ત્રો પણ કહે છે કે સત્યની સાધના જીવનનાં અને સમાજનાં સર્વ અનીષ્ટોને હણી નાખે છે, અસ્તુ..
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
એ–૪, નટરાજ એપાર્ટમેન્ટ, સરદાર બાગ, બારડોલી–૩૯૪ ૬૦૧ ફોનઃ ૦૨૬૨૨–૨૨૨ ૧૭૬
------------------------
**શ્રી. ગુલાબ ભેડા,તંત્રી, ‘વીવેકપંથી’
2-C/1, Asmita Mogra, Datta Jagdamba Marg, Sher-E-Punjab Colony,
Andheri-East Mumbai-400 093 Phone : (022) 2838 8891
♦♦♦ ♦♦♦ ♦♦♦ ♦♦♦
"હે લોકો,
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,"
–ગૌતમ બુદ્ધ
For your comment and opinion write to
Sunil Shah : vivekpanthi@gmail.com
‘વીવેકપંથી’ના જુના અંકો વાંચવા નીચે Old Issues of VP અને
‘વૈશ્વીક માનવવાદ’ના જુના અંકો વાંચવા Old Issues of VM ઉપર ક્લીક કરો....